યુસુફ પઠાણને વડોદરામાં પ્લોટ ગિફ્ટ આપશે ગુજરાત સરકાર, TMC સાથે છેડો ફાડ્યા બાદ લેવાયો નિર્ણય

ઇમેજ સ્રોત, Hardik
જાણીતા ક્રિકેટર અને થોડા મહિના પહેલાં જ મમતા બૅનરજીની તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) છોડનાર યુસુફ પઠાણ ફરીથી ચર્ચામાં આવ્યા છે.
વડોદરામાં યુસુફ પઠાણ પોતાના બંગલા નજીક એક સરકારી પ્લોટ મેળવવા ઇચ્છતા હતા, પરંતુ સરકાર તેના માટે અત્યાર સુધી રાજી નહોતી. હવે તેમને અડધો પ્લોટ 'ગિફ્ટ' કરવા અને અડધો પ્લોટ ડિસ્કાઉન્ટ ભાવે આપવા સરકાર તૈયાર થઈ ગઈ છે.
વડોદરાથી બીબીસીના સહયોગી હાર્દિકે આપેલી માહિતી પ્રમાણે, ભૂતપૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને વિવાદિત પ્લોટ ફાળવવાની રાજ્ય સરકારની મંજૂરી મળી ગઈ છે. રાજ્ય સરકારે વડોદરાના તાંદલજા વિસ્તારના 978 ચોરસ મીટરના, રૂ. 20.53 કરોડની કિંમતના પ્લોટની ફાળવણી કરવા લીલી ઝંડી આપી છે.
મળતી જાણકારી પ્રમાણે, 978માંથી 500 ચોરસ મીટર જમીન યુસુફ પઠાણને રહેણાક હેતુ માટે વિનામૂલ્યે ભેટમાં આપવામાં આવશે, જ્યારે બાકીની 478 ચોરસ મીટર જમીન નક્કી કરાયેલા મૂલ્યના 45 ટકા દરે ટ્રાન્સફર કરાશે. એટલે કે પઠાણે માત્ર 55 ટકા ભાવ ચૂકવવો પડશે.
સરકારે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે, આ નિર્ણય વિશેષ કિસ્સા તરીકે લેવામાં આવ્યો છે અને ભવિષ્યમાં તેને દાખલારૂપ ગણવામાં આવશે નહીં.
સરકારના નિર્ણય મુજબ મહેસૂલ વિભાગ આ જમીનના મૂલ્ય જેટલી જ અન્ય જમીન વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનને વળતરરૂપે ફાળવશે. વીએમસીની સ્ટેન્ડિંગ સમિતિ અને જનરલ બોર્ડની આગામી શુક્રવારે મળનારી બેઠકમાં આ દરખાસ્તને મંજૂરી મળે પછી આખરી નિર્ણય લેવાશે.
અહીં એ નોંધવું જરૂરી છે કે, યુસુફ પઠાણે ગુજરાત હાઈકૉર્ટમાં આ મામલે અરજી કરી હતી, જે તેમણે પાછી ખેંચી લીધી છે.
આખો મામલો શું હતો?

ઇમેજ સ્રોત, Hardik
યુસુફ પઠાણ વડોદરામાં પોતાના ઘરની નજીક આવેલા એક પ્લોટને લીઝ પર મેળવવા માગતા હતા, પરંતુ મ્યુનિસિપલ કૉર્પોરેશન આ 978 ચોરસ મીટરનો પ્લોટ આપવા તૈયાર નહોતું. તેના કારણે વિવાદ થયો હતો અને વીએમસીએ બે વર્ષ અગાઉ યુસુફ પઠાણને સરકારી પ્લોટ પર દબાણ કરવા અંગે એક નોટિસ પણ આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીના સહયોગી હાર્દિકે આપેલી માહિતી મુજબ, પઠાણને પ્લોટ કાયદેસર રીતે ફાળવાયો ન હોવા છતાં તેના પર કમ્પાઉન્ડ વૉલ અને શેડ બનાવી દેવાયાં હતાં. તેથી વડોદરાના ભાજપના જ ભૂતપૂર્વ કૉર્પોરેટર વિજય પવારે આ મામલો ઊઠાવ્યો હતો. તેમણે 21 જૂન 2024ના રોજ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અંગે લેખિત ફરિયાદ કરી હતી.
વિજય પવારની ફરિયાદ બાદ વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશને યુસુફ પઠાણને નોટિસ ફટકારીને દબાણ દૂર કરવા જણાવ્યું હતું. આ નોટિસની વિરુદ્ધમાં યુસુફ પઠાણ ગુજરાત હાઈકૉર્ટ ગયા હતા.
તે સમયે વડોદરાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરે સત્તાવાર નિવેદન આપ્યું હતું કે, "આ પ્લોટ સંપૂર્ણપણે કૉર્પોરેશનની માલિકીનો છે. યુસુફ પઠાણ દ્વારા પ્લોટ પર કમ્પાઉન્ડ વૉલ બનાવીને દબાણ કરવામાં આવ્યું છે. અમે આ દબાણ દૂર કરવા માટે નોટિસ આપી હતી, જેની સામે તેઓ હાઈકૉર્ટમાં ગયા છે."

ઇમેજ સ્રોત, SANJAYDAS
2024ની લોકસભા ચૂંટણીમાં યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળમાં ટીએમસીના ઉમેદવાર તરીકે બહેરામપુરની બેઠક જીત્યા હતા. ત્યાર પછી તરત જૂન મહિનામાં ભાજપશાસિત વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશને પઠાણને પ્લોટમાં દબાણ અંગે નોટિસ આપી હતી. જૂન 2026માં પશ્ચિમ બંગાળમાં ભાજપ વિધાનસભાની ચૂંટણી જીતી ગયો, ત્યાર પછી તરત ટીએમસીના 20 સાંસદો પક્ષ છોડીને નૅશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયા (એનસીપીઆઈ)માં જોડાઈ ગયા હતા અને તેમાં યુસુફ પઠાણ પણ સામેલ હતા.
હવે યુસુફ પઠાણે ટીએમસી સાથે છેડો ફાડ્યો છે તેના બે મહિના પછી રાજ્ય સરકાર યુસુફ પઠાણને 500 ચોરસ મીટરનો પ્લોટ ગિફ્ટ તરીકે આપવા અને બાકીની 478 ચોરસ મીટરની જગ્યા ડિસ્કાઉન્ટ ભાવે આપવા તૈયાર થઈ છે.
ટૂંક સમયમાં વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિ સમક્ષ યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાની દરખાસ્ત મૂકીને તેના પર નિર્ણય લેવામાં આવશે.

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ પ્લોટ ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 22, ફાઇનલ પ્લોટ નંબર 90 પર આવેલો છે. ચાલુ વર્ષમાં વીએમસીએ આ પ્લોટની જાહેર હરાજી માટે તૈયારી શરૂ કરી હતી, જેમાં પ્રતિ ચોરસ મીટર 2.10 લાખ રૂપિયાનું મૂલ્ય નક્કી કરાયું હતું. આ રીતે પ્લોટનું અંદાજિત મૂલ્ય 20.5 કરોડ રૂપિયા આંકવામાં આવે છે.
પઠાણે 2012માં જાહેર હરાજી વગર 99 વર્ષની લીઝ પર આ ખુલ્લો પ્લોટ મેળવવા વીએમસીને રજૂઆત કરી હતી. તેમાં તેમણે એવું કારણ આપ્યું હતું કે, તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હોવાથી તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમના બંગલાની નજીક જ રહેણાક ઉપયોગ માટે જમીન ફાળવવી જોઈએ.
તે સમયે વીએમસીની સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડ પ્લોટ આપવા તૈયાર હતાં. જમીનનું મૂલ્ય લગભગ 5.6 કરોડ આંકવામાં આવ્યું હતું અને પઠાણ આ રકમ ચૂકવવા તૈયાર હતા. પરંતુ ત્યારબાદ જાહેર હરાજી વગર સીધેસીધી પ્લોટની ફાળવણી માટે શહેરી વિકાસ વિભાગ તૈયાર થયો નહોતો.
ત્યારબાદ જૂન 2024માં લોકસભાની ચૂંટણીમાં યુસુફ પઠાણ ટીએમસીમાં જોડાયા હતા અને બહેરામપુર બેઠક પર પાંચ ટર્મથી સાંસદ તરીકે ચૂંટાયેલા કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને હરાવ્યા હતા.
સ્ટેન્ડિંગ કમિટિ નિર્ણય લેશે

ઇમેજ સ્રોત, Hardik
વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીનાં ચૅરમૅન વર્ષાબહેન વ્યાસે બીબીસીને જણાવ્યું હતું કે, "શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે, જેમાં આ અંગે દરખાસ્ત આવશે. તેમાં સર્વાનુમતે જે નિર્ણય લેવામાં આવશે, તે શિરોમાન્ય રાખવામાં આવશે."
આ આખો મામલો ઉજાગર કરનાર વડોદરાના ભાજપના જ ભૂતપૂર્વ કૉર્પોરેટર વિજય પવારે બીબીસીને જણાવ્યું હતું કે, "આ પ્લોટ અંગે 2012માં દરખાસ્ત આવી હતી અને સામાન્ય સભામાં તે પાસ કરી દેવાઈ હતી. ત્યારબાદ રાજ્ય સરકારમાં તેની મંજૂરી માગવામાં આવી હતી. 2014માં રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો કે, હરાજી વગર આ પ્લોટ આપી શકાય નહીં. તેથી અમે આ મામલો ઉજાગર કર્યો હતો."
તેમણે કહ્યું હતું કે, "હવે રાજ્ય સરકાર જ યુસુફ પઠાણને પ્લોટ આપવા તૈયાર હોય, તો કંઈ કરી શકાય નહીં. સરકાર જ સર્વોપરી છે. તેથી હવે આ મામલે વિરોધ કરવાનો થતો નથી."
આ વિશે યુસુફ પઠાણનો પ્રતિભાવ જાણવા વારંવાર પ્રયાસ કરવા છતાં તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનો પણ સંપર્ક થઈ શક્યો નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























